Jyotirdhar Abhiyaan-Who can Join & How?

Who can join & How?
 

‘હું છું જ્યોતિર્ધર’ અભિયાનમાં કોણ જોડાઈ શકે? આ અભિયાનમાં કોઈ પણ શિક્ષક જોડાઈ શકશે. (પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક; ખાનગી-સરકારી વગેરે) ખાસ રસ ધરાવનાર કૉલેજના અધ્યાપકો, બી.એડ.ના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવશે. શિક્ષણ માટે સમર્પિત કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકશે. આ અભિયાનમાં જોડાવા માટે કોને નિમંત્રણ છે?

  • જે શિક્ષક શિક્ષણકાર્યને નોકરી કે વ્યવસાય તરીકે નહીં પરંતુ એક પવિત્ર ફરજ તરીકે ગણતો હોય.

  • જે શિક્ષક દેશ માટે, સમાજ માટે, પોતાના વિદ્યાર્થીઓના હિત માટે કંઈક કરી છૂટવાની બળબળતી ઇચ્છા ધરાવતા હોય.

  • જેના દિલમાં પોતાના વિદ્યાર્થીઓ, ભાવિ સમાજના શ્રેષ્ઠ નાગરિકો બને એવી બળબળતી આગ હોય.

  • જે પડકાર ઝીલવા, સંઘર્ષ કરવા તૈયાર હોય, જેમને કંઈક કરી છૂટવાની તમન્ના હોય.

  • જે રોજબરોજના જીવનમાં આવતી નાની-મોટી તકલીફો, મુસીબતો, સામાજિક-કૌટુંબિક સંજોગો પરિસ્થિતિ સામે ઝઝૂમી પોતાના અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને એ દ્વારા સમાજઘડતર અને રાષ્ટ્ર નિર્માણને પોતાનું જીવનકાર્ય ગણતો હોય.

  • ‘સમય નથી’નું બહાનું ન કાઢતા, વ્યવસ્થિત સમય આયોજન કેવી રીતે કરવું એ શીખી, પોતાના જીવનમાં અને બાળકોનાં જીવનમાં પરિવર્તન લાવવા કટિબદ્ધ હોય.

 

કેવી રીતે ઘડીશું પોતાની જાતને? - શ્રેષ્ઠ વ્યક્તિત્વ કેવી રીતે ઢળાશે? શ્રેષ્ઠ ચારિત્ર્ય કેવી રીતે ઘડાશે?

 

ઓએસિસ સંસ્થા (વડોદરા) એ આદર્શ રાષ્ટ્ર અને સમાજનિર્માણ તથા સમાજઘડતર માટે બે દાયકાથી વધુ સમયથી પ્રવૃત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા છેલ્લાં ૧૨ વર્ષોથી ‘ચારિત્ર્ય-ઘડતર’ની પ્રશિક્ષણ કાર્યશાળાઓનું સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે. જેનો લાભ અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, શાળાના આચાર્યો, શિક્ષકો, બાળકો તેમ જ “એક્સેલ ઇન્ડસ્ટ્રી”, “માઇન્ડટ્રી” જેવી કોર્પોરેટ સંસ્થાઓએ પણ લીધો છે. સંસ્થાના સૂત્રધાર શ્રી સંજીવ શાહે ચારિત્ર્ય-ઘડતર અંગે ૫૦થી વધુ નાનાં-મોટાં પુસ્તક-પુસ્તિકાઓ લખ્યા છે. ઓએસિસ સંસ્થાએ ૨૦૦૧માં “સ્વ સાથે સફળતા” નામે બે દિવસની કાર્યશાળાઓ શરૂ કરી, જે તુરત જ ૩ દિવસની કાર્યશાળામાં પરિણમી. ભાગ લેનારાઓના ઉત્સાહ અને માંગને લઇ એમાંથી “સંબંધોમાં સફળતા” અને “Stress Vision Retreat” જેવી શિબિરોની નવી શૃંખલાઓ પણ ઉદ્ભવી. આ તમામ શૃંખલાઓની વ્યવસ્થિત ગૂંથણી કરી એમાંથી “મહાન હૃદયોના સારેગમપધનિ” નામની કુલ ૧૦ દિવસની કાર્યશાળાનો ઉદ્ભવ થયો, જેને વ્યાપક આવકાર મળ્યો એટલું જ નહીં, જેમણે એ અભ્યાસક્રમ પૂરો કર્યો, એમના જીવનમાં નવો પ્રાણ પુરાયો અને નવી દિશા મળી. ઘણા બધા તાલીમ શિબિરો બે-ત્રણ દિવસ માટે થતા હોય છે. જે થોડા સમય સુધી – બેથી ત્રણ મહિના – આપણા પર અસર કરતા હોય છે, પરંતુ સાંપ્રત જીવનના વિશિષ્ટ પ્રવાહોને કારણે પછી એ અસર ભૂંસાઈ અને ભૂલાઈ જતી હોય છે અને આપણે પાછા હતા એવા અને એવા જ બની જતા હોઈએ છીએ. કાર્યશાળાઓ અને જીવનના અનુભવે એવું સમજાયું કે વર્ષોનાં પૂર્વગ્રહો, સંસ્કારો, મનાંકનો, માન્યતાઓને અતિક્રમી સ્વમાં પરિવર્તન લાવવું એ ૨/૩ દિવસ કે એક વર્ષની ૧૦ દિવસની શિબિર દ્વારા શક્ય નથી અને આ પાઠમાંથી શીખી ઓએસિસ દ્વારા “The Philosophy, Art and Science of Living, Loving & Learning” નામની ૪૦ દિવસની ચાર વર્ષ ચાલે એવી ક્રાંતિકારી અને તમને તમારામાં પરિવર્તન લાવવા મજબૂર કરે એવી કાર્યશાળા આકાર પામી. ચારિત્ર્ય-ઘડતર અને જીવન જીવવાની કળા માટે ખૂબ જ ઉપયોગી એવી આ કાર્યશાળા અનેક કાર્યશાળાઓના અનુભવે બનેલી વિવિધ પ્રક્રિયાઓ, સીધા વ્યક્તિગત સંપર્ક અને સંવાદ આધારિત વિશિષ્ટ અભ્યાસક્રમ વડે બનેલી છે. આ કાર્યશાળાને કેન્દ્રમાં રાખી, શિક્ષણ અને શિક્ષકો માટે આવશ્યક પરિમાણોની ગૂંથણી કરી શિક્ષકોના સ્વવિકાસ અને પરિવર્તન માટે આ અદ્ભૂત કાર્યશાળા દ્વારા એક અભિનવ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આપણી અંદર છુપાયેલા મહાન વ્યકિતત્વને જાગ્રત કરવું એ જ આ અભિયાનનો મૂળ ઉદ્દેશ્ય છે. આત્મચિંતન, આત્મસુધાર, આત્મશુદ્ધિ અને આત્મવિકાસ – આ ચાર ચરણોને પૂરાં કરી આપણા સ્વનો વિકાસ કરી એવા વ્યક્તિત્વનું નિર્માણ કરીએ, જે ભારતમાતાના ચરણોમાં આવા અસંખ્ય સુગંધિત વ્યક્તિત્વ સમર્પિત કરવા માટે એક બીબાં જેવું કાર્ય કરી શકે. 

 

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.