I am Oasis - Stories of Transformation

 • Self-Leadership

  • Adults

  • Youths

  • Women Empowerment

  • Mission

  • Health

 • Relationships

  • Marriage

  • Family

  • Parenting

  • Leadership

 • Education

  • Students

  • Teachers

  • Principals

  • Parents

  • Mentoring

 • Others

  • Citizenship

  • Organisation

  • Community

મને મારાં માતાપિતા તરફથી તો સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. મને ભાગ્યે જ તેઓએ કોઈ કામ કરવા દબાણ કર્યું હશે. પરંતુ હું આ સ્વતંત્રતાને છૂટ માનીને સ્વચ્છંદી બની ગયો હતો. મિત્રોની ખરાબ સંગતિ અને મારી લાપરવાહીને કારણે હું ગાળો બોલતા અને સિગારેટ પીતા શીખી ગયો હતો. એટલી ખરાબ આદત પડી ગઈ હતી કે ઇચ્છવા છતાં પણ વ્યસન છોડી નહોતો શકતો. તેનાથી મારા સ્વાસ્થ્ય અને અભ્યાસ પર પણ ઘણી અસર પડી.

 

જ્યારે હું ઓએસિસના સમરહિલ કૅમ્પમાં આવ્યો ત્યારે મેં અલગ જ પ્રકારની સ્વતંત્રતાનો અહેસાસ કર્યો જેની સાથે જવાબદારી પણ હતી. હું જ્યૂરીના સભ્ય તરીકે ચૂંટાયો અને પોતાની શક્તિઓને ખીલવી શક્યો. ઓએસિસની ટીમે મારી દરેક સારી બાબતને વધાવી અને મને એક સારી વ્યક્તિ તરીકે જોઈ. હું બહુ ખુશ થયો. પરંતુ જ્યારે કૅમ્પ પત્યો અને હું ઘરે આવ્યો ત્યારે પાછો જેવું જીવન જીવતો એવું જ જીવવા લાગ્યો. ગાળો બોલતો, સિગારેટ પીતો અને રોજેરોજ નકામી બાબતોમાં સમય પસાર કરતો.

 

એકવાર મેં શાળામાં સિગારેટ પીધી અને પછીથી આચાર્યને ખબર પડી. તેમણે મને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યો, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મારી વાત જણાવી મારું અપમાન કર્યું અને તેમણે ઓએસિસમાં મારા વિશે ફરિયાદ કરી કે ફારૂક તો બહુ ખરાબ છોકરો છે. એ તમારા કૅમ્પમાં આવતાં બીજાં બાળકોને બગાડી નાખશે. હું શાળાએ પાછો ગયો ત્યારે તેમણે મને આ વાત જણાવી તો હું ડઘાઈ જ ગયો. મેં વિચાર્યું કે ઓએસિસના મિત્રોની નજરમાં તો હું ઘણો સારો વ્યક્તિ છું. તે લોકો હવે મારા વિશે શું માનશે? હવેથી ઓએસિસવાળા મને કૅમ્પમાં નહીં બોલાવે. ને જો બોલાવશે તો હું કયું મોઢું બતાવીશ? તેઓ મને પહેલાંની જેમ માન નહીં આપે. હું ખૂબ અકળાયો અને ઘણો હતાશ થઈ ગયો. પરંતુ ઓએસિસે મારા પર વિશ્વાસ મૂક્યો. મને વધારે પ્રેમ અને માનથી આવકાર્યો. મેં આવી ઉદારતાનો અનુભવ ક્યારેય નહોતો કર્યો. એના પછીના સમરહિલ કૅમ્પમાં હું ગયો ત્યારે અમને એક વાર એવું એકાંત વાતાવરણ મળતા મેં ગાળો બોલી અને અશ્લીલ કહેવાય તેવી વાતો કરી. ત્રણ મિત્રોએ વાંધો ઉઠાવી મારા પર પાર્લામેન્ટમાં કેસ કર્યો. જેવી આ વાત મને જાણવા મળી તો મેં તેમને કેસ પાછો લઈ લેવા ઘણી આજીજી કરી પરંતુ તેઓ સત્યના એટલા આગ્રહી હતા કે તેઓએ મારી વાત ન માની. પાર્લામેન્ટમાં બધાની સામે મારા પર આરોપો મૂકાયા તો હું પ્રથમ તો પોતાનો બચાવ કરવા લાગ્યો. પરંતુ પછી શક્ય ન લાગતા મેં મારા ગુનાહો કબૂલ્યા અને ઓએસિસ કૅમ્પને હંમેશાં માટે છોડવાનો નિર્ણય કર્યો. મેં બધાને કહ્યું કે હું ઓએસિસને લાયક નથી. બધાને ખબર પડી ગઈ કે હું ખરાબ છોકરો છું પરંતુ બીજી વખત પણ ઓએસિસે મારા પર વિશ્વાસ મૂક્યો. ઓએસિસના મિત્રોએ મારી ભૂલ માફ કરી, મને એ ભૂલમાંથી શીખીને જીવનમાં આગળ વધવા કહ્યું. આગલા કૅમ્પમાં મને ડ્યૂટી-મૅનેજર તરીકે નીમ્યો. હું ઘણો ખુશ થયો અને આ તક મળવાથી પોતાની જાતને ઓળખી શક્યો અને મારો આત્મવિશ્વાસ વધ્યો.

 

હવે હું કંઈક કરવા માંગતો હતો, કંઈક બનવા માંગતો હતો. પરંતુ ઓએસિસના વાતાવરણની બહાર જતા હું જેવો હતો તેવો બની જતો. હું વાતાવરણ પ્રમાણે બદલાઈ જતો હતો. મારાં વિચાર-વાણી–વર્તનમાં એકસૂત્રતા નહોતી. જીવન એમ જ ચાલતું હતું તે દરમ્યાન હું મારી એક મિત્રને પસંદ કરવા લાગ્યો. એના આકર્ષણમાં પડી ગયો. તે મિત્રએ પણ મને ધૂમ્રપાન ન કરવા સમજાવ્યું. પણ હું ધૂમ્રપાન સંપૂર્ણપણે તો ન જ છોડી શક્યો. હું સંયમ તો રાખી શકતો પરંતુ મનમાં તો ધૂમ્રપાન કરવાની ઇચ્છા તો તરવરતી જ રહેતી. સમય જતાં મેં તે મિત્રને મારા દિલની તેના પ્રત્યેની લાગણીઓ જણાવી. પરંતુ તે એક સમજદાર અને સાચી મિત્ર હતી. તેણે મને તેને ભૂલી જવા કહ્યું. મેં સહજપણે હા તો પાડી દીધી પરંતુ તેના પછી હું હતાશા અને દુઃખ જેવી અનેક નકારાત્મક લાગણીઓ અનુભવવા લાગ્યો. મમ્મીએ મારું આવું વર્તન જોઈને મને પ્રેમથી પૂછ્યું, “શું થયું, બેટા.” મેં કહ્યું કે હું મારી એક મિત્રને પસંદ કરતો હતો પણ મેં તેને મારી લાગણીઓ જણાવી તો તેણે મને તેને ભૂલી જવા કહ્યું. મમ્મીએ ધીરજપૂર્વક કહ્યું, “દીકરા, તું આકર્ષણના ચક્કરમાં તારી સારી મિત્રને હંમેશાં માટે ખોઈ બેઠો.” આ વાક્ય સાંભળતાં જ હું હક્કોબક્કો રહી ગયો. હું ખરેખર મારી મિત્રને ખોઈ બેઠો હતો. મેં તરત તે મિત્રની માફી માંગી. તેણે મને સહજતાથી માફ કર્યો અને ખાતરી આપી કે અમારી મિત્રતામાં કોઈ ફરક નથી પડ્યો. હું ખૂબ રાજી થઈ ગયો અને મમ્મીનો ખૂબ આભાર માન્યો.

 

પછી મેં સંજીવભાઈનું ‘મહાન હૃદયોના સારેગમપધનિ’ પુસ્તક વાંચ્યું. તેનાથી ઘણી પ્રેરણા અને બળ મળ્યું. સંજીવભાઈ સાથે વાત કરી, તેમણે મારી પરિપક્વતાને વધાવી અને કહ્યું કે જો આ જ રીતે ભૂલમાંથી શીખીને આગળ વધીશ તો ઘણો સફળ વ્યક્તિ બનીશ અને તેમણે મને પસંદગી આપી કે લોકો મને સારી વ્યક્તિ તરીકે જુએ કે ગાળ બોલતા અને સિગારેટ પીતા વ્યક્તિ તરીકે જુએ તે મારે નક્કી કરવાનું છે. મારા જીવનની જવાબદારી તો મારી પોતાની જ છે. અને તેમનાં પુસ્તકો ભેટમાં આપ્યા. આજે મારી જિંદગીનો એક ધ્યેય છે. હું બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવવા કામ કરવા માગું છું. હું સફળતાપૂર્વક જીવન જીવવા મથી રહ્યો છું. પોતાની જાત પર પૂરો સંયમ અને સ્વયંશિસ્ત કેળવી રહ્યો છું.

 

આજે હું મારા સિગારેટ પીતા મિત્રોની વચ્ચે જાઉં છું પણ હું સિગારેટ નથી પીતો. એ લોકો ગમે તેટલી ગાળો બોલે પરંતુ હું નથી બોલતો. આજે હું વિચારું છું કે જો આચાર્યની ફરિયાદ સાંભળીને ઓએસિસે મને કૅમ્પમાં પાછો ન બોલાવ્યો હોત તો? જો એ દિવસે મારી મમ્મીએ મને ઠપકો આપ્યો હોત અથવા મને ચારિત્ર્યહીન માનીને મને સુધરી જવાની સલાહ આપી હોત તો? જો એ દિવસે કૅમ્પમાં ગાળ બોલવા બાબતે મને બહાર કાઢી મૂક્યો હોત તો? જો ઓએસિસે મને ખરાબ છોકરો માનીને મને સજા કરી હોત અથવા ખરાબ વર્તન કર્યું હોત તો?

 

તો હું આજે એ જ કાદવમાં પડ્યો હોત, સિગારેટ પીતો હોત અને ગાળો બોલતો હોત............

~ ફારૂક પઠાણ

સ્વતંત્રતા આપવાથી બાળકો સ્વચ્છંદી થઈ જાય?
હા અને ના....

એક યુવા હૃદયના હકારાત્મક પરિવર્તનની પ્રેરણાજનક કહાની

ઓએસિસની શિબિરોનાં પરિણામોનો એક ઉદાહરણરૂપ કિસ્સો

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.